રસાત્મિક આશ્રીત રસિક આચરણ

|| स्तुति ||

|| श्री गुरुदेव दयानिधि सुंदर साहेब सुखखानी || काम क्रोध नहीं जिनके उर आ पर्ची अति अदभुत बानी ||
|| जाग्रत पंथ कियो जिन जाहेर कुर कपट हूंकि करि हानि || सो मम चित वसो निसिवासर कीजे कृपा निजी किंकर जानी ||
|| सुंदर साहेब श्री रसिक || रसिक जन सुखदाई || ताके पद पंकज सदा || प्रणवो सीस नमाई ||

જયારે જીવના પુર્વના પુણ્ય હોય ત્યારે તેને રસાત્મિક માર્ગ, પરમધામ દર્શાવવાળા સદગુરૂ અને રસિકોનો સંગ મળે છે. જીવ જયારે અનાયાસે મહાપ્રસાદ મેળવે, અખંડની ભકિત કરતાં સાધુ–સંતોનો સંગ અને આશિર્વાદ મેળવે ત્યારે તેના સુક્ષ્મ સંસ્કાર બંધાય છે.


જયારે જીવના શુધ્ધ સંસ્કાર જાગવાના હોય ત્યારે તેને સદગુરૂ ની વાણીમાં નિષ્ઠા અને વિશ્વાસ જાગે છે. ત્યારે તેને આ જ્ઞાન પ્યારું લાગે છે. એ જીવ ત્યારે સદગુરૂ ને શરણે આવે છે અને ગુરુને ગુરુબાનો આપવા વિનંતી કરે છે.

ગુરૂબાના ની વિધી અને મહાત્તમ

જયારે બેહદ સંસ્કારી જીવ રસિક બનવાની ઈચ્છા દર્શાવે છે ત્યારે પ્રથમ તેને આગલા દિવસે ઉપવાસ કરવાની આજ્ઞા કરે છે જેથી શરીર શુધ્ધ થાય. પછી શુભદિને વહેલી સવારે તે સદગુરૂ પાસે સ્નાનાદિક કરી શુધ્ધ વસ્ત્રાભુષણ પહેરી, હૃદયમાં રસિક થવાની ઉત્કંઠા રાખી આવે છે. ત્યારે ગુરૂ તેને અક્ષરાતીત અંકિત તિલક બાર ઠેકાણે કરાવે છે. હાથથી વણેલા લાલ દોરામાં ચિત્રિત તુલસી (પારો) પંચાત્મિક લીલાનુ ધ્યાન કરી ધૂપ આપી તેને ગળામા ધારણ કરાવે છે. અને જેમ શ્રી રસાત્મિક સદગુરૂ એ સદગુરૂ શ્રી સુંદરસાહેબ ના કાનમાં નિજાનંદ મંત્ર સંભળાવ્યો હતો તેમ સદગુરૂ અધિકારી જીવ પર કૃપા દૃષ્ટી કરી તેને ગુરૂબાનો આપી કાનમાં નિજાનંદ મંત્ર સંભળાવે છે અને ત્યારે તે જીવ રસિક બને છે અને રસાત્મિક માર્ગમા ચાલવા તૈયાર થાય છે.ત્યારે આ ગુરુબાના ની વિધિ વખતે સર્વે રસિકો ભક્તિ ના પદો ગાય છે.

રસિકો તુલસી કાષ્ટમાંથી બનાવેલો તુલસી હીરો (પારો) પહેરે છે. તેથી શરીરની સર્વ મલિનતા દૂર થઈ જાય છે અને શરીર પવિત્ર અને નિર્વિકાર રહે છે. તુલસીનું મહાતમ જાણી તેને અંગ ઉપર ધારણ કરવાથી પરમ પવિત્ર બનાય છે. તુલસીનો હીરો અને ગોપીચંદનનું તિલક એ રસિકોનો સોહાગ છે.

ચિત્રિત તુલસી પારો

જે ઉત્તમ રસિકો છે તે રસાત્મિક સદગુરૂને પોતાનું જીવન અર્પણ કરીને તુલસીનો હીરો બાંધે છે. શ્રી અક્ષરાતીત અંકિત ગોપીચંદનનું તિલક અને ગળામાં તુલસીના પારાથી રસિક ઓળખાય છે. શ્રી રસાત્મિક ભગવાનનો પરમપવિત્ર બાનાે છે. જે કોઈ જીવ તુલસી મહાતમ સાંભળી પ્રેમપૂર્વક તુલસીનો પારો બાંધી રસિક બને છે તે જીવને ધન્ય છે. તેના અનેક જન્મોના પાપો જયારે તે રસિક બને છે ત્યારે બળીને ભસ્મ થાય છે. તેના અંતરમાં યુગલ કિશોર શ્રી રાધાકૃષ્ણ આવીને વસે છે. તેના અનેક જન્મના પાપ - ગૌહત્યા, બ્રહમહત્યા અને બાળહત્યા બળીને ભસ્મ થાય છે. ગમે તેવો પાપી હોય તેને ઉત્તમ રસિક મળે અને સદગુરૂના શરણે લઈ જાય અને તેને જો ભગવત ચરણમાં પ્રીત જાગે અને તે રસિક થાય તો તેના પર સદગુરૂ કૃપા કરે છે. અને તેના દુ:ખ દુર થાય છે. હવે જો નર્કમાં પડયા જેવા પાપ તેનાથી થયા હોય પરંતુ જો તે તુલસીનો હીરો ગળે ધારણ કરી ભગવત નામ ઉચ્ચાર કરે અને ગોપીચંદનનું તિલક કરે તો તેના પાપ બળી જાય છે. આવું ગુરૂબાનાનું મહાતમ અપાર છે



ગોપી ચંદન તિલક

ગોપીચંદન નુ તિલક શ્રી અક્ષરાતીત અંકિત છાપથી મંત્ર યુકત રસિકો બાર ઠેકાણે પધરાવે છે ત્યારે તેને સાગર જેટલું સુખ મળે છે. સપનામાં પણ યમનો ડર રહેતો નથી માટે રસિકો ટેકપુર્વક ગોપીચંદનનું તિલક રોજ પ્રેમથી કરે છે.

તિલક નો મંત્ર

  • ૧) તં તિલક શ્રી નિરક્ષર
  • ૨) પારશ્વ દ્વૈ યુગલ સ્વરૂપ
  • ૩) રસાત્મિક લિલાટ પટલે,
  • ૪) નાભી તુલસી પ્રિયાત્મિક
  • ૫) હદય શ્રી વિહરાત્મીક બર,
  • ૬) કંઠ વ્રેહાત્મિક વિશુધ્ધ
  • ૭) પશ્ચિમે શ્રી સચ્ચિદાનંદ
  • ૮) સ્કંધે શ્રી પુરણ પુરષોતમ
  • ૯) વામ બાંહે પરમધામ
  • ૧૦) દક્ષને શ્રી અક્ષરાતીત
  • ૧૧) ધ્યાન યુકતો પંચાત્મિક
  • ૧૨) દ્વાદસ તિલકેતિ પઠેત.

આ મંત્રયુકત જે તિલક કરે છે તે મર્યા પછી પરમધામને પામે છે. રસિકો મહાતમ જાણી પોતાના અંગ ઉપર તિલક કરે છે. જે મનુષ્ય હદય શુુધ્ધ રાખીને ગોપીચંદન નું તિલક કરે છે તેના ભકિતના અંકુર ફુટે છે. શ્રી રસાત્મિક સદગુરૂ એ કહયું છે કે અક્ષરાતીત અંકિત તિલક કરવું. શ્રી અક્ષરાતીત અંકિત ધણી નું નામ સર્વ નામનો શિરદાર છે. તે નામ સર્વ થી શ્રેેષ્ઠ છે. એટલે રસિકો શ્રી અક્ષરાતીત નામનું તિલક કરે છે આ રસિક નો સોહાગ છે.

નિત્ય​ ક્રિયા

રસિક બાનો ધારણ કર્યા પછી સદગુરૂ શ્રી સુંદર સાહેબ મહારાજે રસાત્મિક માર્ગમાં પાલન કરવાની નિત્યક્રિયા સમજાવી છે તેનું વિસ્તૃત વર્ણન કર્યુ છે.

  • પ્રથમ રસિકોએ આળસ નો ત્યાગ કરી વહેલી સવારે ઉઠવું.
  • ઉઠતાવેત પથારીમા સુદર્શન શબ્દનો ઉચ્ચાર કરવો.
  • સૌચ, સ્નાનાદીક ક્રિયા કરી અક્ષરાતીત પરમધામી રાધા–કૃષ્ણ, સદગુરૂ અને રસિકો ને એકજાણી પ્રણામ કરવા.
  • શ્રી અક્ષરાતીત અંકિત ગોપીચંદનનું તિલક મંત્ર બોલી બાર ઠેકાણે નિયમથી રોજ કરવું
  • રસિકોએ રોજ સવારના પ્રભાતિયાં, મંગળા આરતી, સ્તુતીઓ આદે મુખાગ્રે રાખી પ્રેમથી ગાવી.
  • રસિકોએ ખટકર્મ કરવા, આરતી, સ્તુતી પરિક્રમા, સ્વરૂપ સેવા સ્મરણ એટલે માળા (પ્રથમ સદગુરૂના નામની.પછી નિજાનંદ મંત્ર એટલે ગુરૂમંત્રની માળા ફેરવવી.) પરિક્રમા, દંડવત નિયમ યુકત કરવા.
  • રસિકોએ નિત્ય પરમધામની પંચાત્મિક લીલાનુ અને મોલ–મોલની ગતિનું ધ્યાન કરવું. નિત્ય ધ્યાન કરવાથી સાક્ષાતકાર થાય છે.
  • રસિકોએ રોજ નિયમ બાધી શ્રીમત શ્રી વ્રજપ્ર​ભા ગ્રંથરાજનું વાચન અને મનન કરવું
  • રસિકોએ ધરે જે રસોઈ બનાવે છે તે ચાલીસ દોષ વગરની શુધ્ધ સામગ્રી બનાવી ઠાકોરજી ને ભોગ લગાવી પછી મહાપ્રસાદ લેવો.
  • રસિકોએ વસ્ત્ર, આભુષણો પણ ધામધણીને અર્પણ કરી પ્રસાદ રૂપે લેવા.
  • સદગુરૂ એ બતાવેલ ઉજજવલ, ભકિત, જ્ઞાન અને લક્ષણ આ ચાર વિધિનુ પાલન કરવુ.
  • નિમિત ક્રિયા

    હવે નિમિત કર્મ એટલે રસાત્મિક માર્ગના ઉત્સવો અને તિથિઓ જેમકે જન્માષ્ટમી, રાધાષ્ટમી, વસંત પંચમી, સદગુરુ–મિલન ઉત્સવ, અન્નકોટ ઉત્સવ આદે ઉત્સવો રસિકોએ ભેગા મળી પ્રેમથી ઉજવવા, આપણાં સદગુરૂ જે દિવસે ધામ–ગમન થયા તે તિથિઓ એ સતસંગ અને ભજનાનંદ કરવો. સદગુરૂ શ્રી સુંદર સાહેબ મહારાજ દ્વારા દર્શાવેલ આ નિત્ય અને નિમિત ક્રિયા નું પાલન કરતા સહેજે સહેજે રસિક પરમધામની નજીક પહોચે છે. સદગુરૂ ના વચનોનું પાલન કરતા શ્રી પરમધામ ધણીની રસિક ઉપર મહેર નજર થાય છે અને તે રસિકને પોતોનો જાણે છે.એક પદમાં કહયું છે ને કે

    || નેત્રોથી અળગા થયા, શબ્દ આપણી પાસ,
    તે શબ્દે જો ચાલશું, તો પુરશે પોતે આશ. ||